ઇતિહાસ

આપણે રાજસ્થાન માંથી ઉતરી આવ્યા ?

        આપણામાં એક માન્યતા એવી રોડ બની જાય છે કે દેશ પર જ્યારે મુસ્લિમ આક્રમણકારો લૂંટફાંટ માટે ત્રાટક્યા ત્યારે આપણે મૂળ રાજસ્થાનમાંથી સૌરાષ્ટ્ર થઇ કચ્છમાં ઉતર્યા. પરંતુ આ વિધાન ઉપરોક્ત હકીકતોના આધારે પુનર્વિચારણા માંગે છે.

        ઉપર જોયું તમે ઈ.સ. ની છઠી શતાબ્દિમાં સર્વ પ્રથમ ગુર્જર શબ્દ દેખા દે છે. ત્યાર પછીની ઈ.સ. ની આઠમીથી બારમી શતાબ્દિ સુધી માળવાથી તે લાટ સુધી અને સૌરાષ્ટ્રથી વિદર્ભ લગીના પ્રદેશ પર જે પ્રજા રહેતી હતી તે સંસ્કાર, ભાષા, બોલી, રૂઢિ વિ. બાબતોમાં સમાન સંસ્કાર વાળી જ પ્રજા હતી. તેઓ સૂર્ય અને ચંદ્રવંશી ક્ષત્રિયો હતા. ઈ.સ.ની અગિઆરમી અને બારમી સદીમાં તેમાંના ચૌહાણનો રાજ્ય વિસ્તાર અજમેરથી તે છેક દિલ્હી સુધી અને રાઠોડોનો કનોજથી છેક બનારસ અને મગધ ના સીમાડા સુધી વિસ્તરેલો હતો. આ ઉપરાંત પરમારો અને સોલંકીઓનો પણ અર્બુદાચલથી કાઠિયાવાડ અને દક્ષિણે લાટ સુધીનો રાજ્ય વિસ્તાર હતો. તેમના રાજ્યના સીમાડાઓ અવારનવાર બદલાતા રહેતા તેમજ તેઓ સૌ અન્યોન્ય લગ્ન વ્યવહાર વિ. વડે સંકળાયેલા હતા. આમ ગુજરાત ના સોલંકીઓ અને વાઘેલા અર્બુદાચલના પરમારો અને ચૌહાણો તેમજ રાઠોડો આ રીતે સંબંધો વડે ગંઠાએલા હતા.

        આ સમયે જેને આપણે રાજસ્થાન કે રાજપુતાના તરીકે ઓળખીએ છીએ તે પ્રદેશના સીમાડાઓ હજુ તે સ્વરૂપે નિશ્ચિત અને સાકાર બન્યા નહોતા. આથી આપણે ઈ.સ.ની બારમી શતાબ્દિમાં દેશના મધ્ય ભાગમાંથી તેમજ ગંગા જમુના પ્રદેશમાંથી એટલે કે વિશાળ ગુર્જર દેશમાંથી કરી કચ્છમાં ઉતરી આવેલ ગુર્જરો છીએ તેમ કહેવુંજ વધુ યોગ્ય થશે.

ઈ.સ.ની ૧૧૭૯ની સાલમાં કચ્છમાં આવી વસ્યા ?

        આપણા વહિવંત્તા અને બારોટોના ચોપડાઓના આધારે સિદ્ધ થએલ આ મૂળભૂત વિધનને સ્વીકારી લઈએ તોએ એ સંબંધમાં વધુ વિચાર કરતાં આપણને એમ લાગશે કે આવી કોઈ નિશ્ચિત અને રૂઢ લાલ રેખાને વળગી રહેવું વ્યવહાર નથી.

        સૌ પહેલાં આ સમય મર્યાદાથી ઓછામાં ઓછા પાંચ સાત શતાબ્દી પહેલાંથી કચ્છમાં ગુર્જર ક્ષત્રિયો, થોડા વધુ પ્રમાણમાં પણ વસતા હતા તેમ ઇતિહાસકારો આપણને જણાવે છે.

        સાતમી શતાબ્દીમાં અજમેર વસાવનાર અજયપાલ ચૌહાણને ખીલાફતનું લશ્કર અજમેર પર હલ્લો કરવા તરી માર્ગે કચ્છના બંદરે ઉતરવાનું છે. તેવો દૂત દ્વારા સંદેશો મળતાં તે પરદેશીઓનો દરિયા કિનારેજ પ્રતિકાર કરવા અજયપાલ ચૌહાણ આ સ્થળે આવ્યા આ સ્થળ અનુકૂળ અને નિર્ભય જણાતા. અહીજ પડાવ નાખી, દરિયાકિનારે ચોકી કરતા રહ્યા. આ વખતે તેમને જોગીઓની જમાતનો બહુ મોટો સાથ મળ્યો. યવનો સાથેના ઘોર સંગ્રામમાં ઈ.સ. ૬૮૫ માં તેઓ સ્વર્ગ લોક સિધાવ્યા.

        અજયપાલ પાલી શાખાના ચૌહાણ હતા. અંજારમાં ગંગાના નાકે ત્રૂન્ડમાં આવેલ દેશમાં અજયપાલની મૂર્તિ છે. આજે પણ “અંજાર ગામ અને અજેપાળ ઘણી” એવી લોકોક્તિ જાહેર અને પ્રચલિત છે. અંજારમાં અજયપાળનો વાસ છે. ધીમે ધીમે અજયપાળના આ મઠની આસપાસ વસતી થઈ અને ગામ વસ્યું. ગામ તરીકે તેનું તોરણ ૮૦૬માં બંધાયુ. પ્રારંભમાં ત્યાં કેટલાક વખત કાઠીઓની વસ્તી હતી. અજયપાળની સાથે આવેલા ચૌહાણો કુટુંબો ત્યાર પછી પણ આ પ્રદેશમાં રોકાઈ ગયા હોય તેવું કેમ ન બને ? એક ઇતિહાસકાર કહે છે તેમ "અજયપાળ સાથે આવેલા ચૌહાણોના વંશજ હાલ ખંભરામાં છે. તેઓ આજે પણ અજયપાળને કુળદેવ તરીકે પુજે છે."

        ઉપર જોયું તેમ કચ્છ મોર્ય, ક્ષત્રય, ગ્રીક અને ગુપ્ત સત્તાઓના વર્ચસ્વ હેઠળ હતું તેમના સિક્કાઓ વિ. કચ્છમાંથી મળી આવે છે. સંવંત ૬૦૦ની આસપાસ ગુર્જર જાતિનું આગમન ઉત્તર ગુજરાતની ભૂમિપર થયું. “ ગુર્જર સંસકૃતિના ગર્ભાધાન કાળથી કચ્છ તેમાં સામેલ છે. એ ગુર્જરોના વંશજ તરીકે પોતાના સંસ્કાર સાચવી રહી હોય એવી નામે ઓળખાતી વાગડની કેટલીક ક્ષત્રિય જતો આજે પણ વાગડમાં છે. “

        “આ પછીના સમયમાં ગુજરાતમાં ચાવડા રાષ્ટ્રકુટો પ્રતિહારો વિગેરેની કેટલીએ નાની-નાની જામે છે અને એ કાળ દરમિયાન થઈ જશે અથવા તો ઉતરતી સાથે ગુજરાતના રક્ષણ માટે યુદ્ધો ખેલાયા છે."

        મૂળરાજ સોલંકી જ્યારે એક તરફથી તેના પર સંપાદકનો રાજ અને દક્ષિણ તરફથી તેલંગાણા રાજ તેના પતિ ચડાઇ કરી ત્યારે કચ્છમાં આશ્રય લઈ અમુક વખત રહ્યા હતા.

        મોહમ્મદ ગઝની ની સોમનાથ વખતે 1025 ગુર્જર નરેશ ભીમદેવ પોતાના પરાજય પછી કચ્છમાં કંથકોટમાં અમુક વખત આશ્રય લઈ રહે છે ભીમદેવે કંથકોટ થી પાછા વળી સોમનાથનો પથ્થર નું નવું મંદિર બનાવ્યું સોલંકી વંશના પણ એક બંધાવેલો.

        કર્ણદેવ પહેલાએ ઈ. સ. ૧૦૬૪ થી ૧૦૯૪ ના સમય માં ભદ્રેસર માં કર્ણવાપીકા નામે વાવ કરાવેલી જેનો પાછળ થી દાનવીર જગડુશાહ એ ઉદ્ધાર કરાવ્યો.

        રાસમાળા માં આવેલી હરપાળ મકવાણાની દંતકથા તેના સમયમાં બનેલી ઘટનાને લાગુ પાડવામાં આવે છે. આ મકવાણાઓ કચ્છ માં માકટપર પરથી ઓળખાય હોવાની પણ એક માન્યતા છે. આ મકવાણાઓનુ કચ્છમાં એક વખત વર્ચસ્વ હશે તેવો સૂચક ગેડીમાં ઈ.સ.૧૨૧૨ નો ચંડેસર મકવાણા નો પાળીઓ છે.

        આજ પ્રમાણે કચ્છ માં વાઘેલાઓની પણ વસાહતો હતી તેવા નિર્દેશો મળે છે.

        આમ આપણા પૂર્વજો કચ્છના મહારાજાઓશ્રી જામ લાખાજી જોધાણી સાથે કચ્છમાં જઈ ધાણેટી ગામે આવ્યા તેમ ગૃહીત માની લઈએ તોએ તે પહેલાં પણ કચ્છમાં ગુજર ક્ષત્રિય રાજપુત પરિવારો વસતાં હતા, તેવું જણાય છે.

        હવે નીચેના બે અવતરણો જોઈએ.

        સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ ! આપણી જ્ઞાતિ ના નામ સંબંધી મેં જાતે આજથી નવ વર્ષ અગાઉ બારોટોને અમારા કારખાને, ખાસ નામનીજ શોધ માટે બોલાવી, ભગીરથ પ્રયત્ન કરી, પ્રાચીન કાળ ની લગભગ ૬૯ પેઢી સુધી ચોપડાઓ તપાસ્યા હતા. તેમાં અમારી વંશાવલીનું નિરીક્ષણ કરતા મને જે કઈ શોધ મળી છે તે આજ આપણી જ્ઞાતિ પાસે નિવેદન કરું છું.

        પ્રથમ સૂર્યવંશી ક્ષત્રિય માધ્યદિન શાખા (ઋગ્વેદ) શનકગોત્ર, ત્રણ પ્રવરની યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર (તેમના નામો આપ્ત્વા, અંગિરા, અગસ્ત્ય) પ્રથમ અવંટક શોઢા. પાછળથી ગુજરાતમાં આવી મરસરગઢ પર ચડાઈ કરી વિજય કરી ત્યાંની ગાદી ભોગવી જેથી ગુર્જર મકવાણા કહેવાણા. પાછળ થી શમઢિયાળા ગામ માં યુદ્ધ કરી. મહારાઓશ્રી લાખાજીની સાથે કચ્છ માં જઈ ધાણેટી ગામ માં રહ્યાં અને ત્યાંથી ક્રમે ક્રમે અંજાર વિ. ગામો માં આવ્યા.

         "મારી વંશાવળી" - શ્રી હરિદાસ વિશ્રામ મકવાણા, અભ્યુદય પ્રકાશ, સંવંત ફાલ્ગુન ૧૯૭૬ના અંકમાંથી

        “જાડેજાઓના મૂળ પુરૂષ જામ લાખા જોધાણીના પુત્ર જામ રાયધણરતાના વખતમાં. એટલે સંવંત ૧૨૩૪ અને ઈ. સ. ૧૧૭૯ માં પટેલ મારૂ ગાંગાએ આવી તોરણ બાંધવાનું ભાટ લોકોના ચોપડામાંથી નીકળે છે. અને તેની સાથે મારૂ, લાડવા ખોડિયાર મકવાણા (લગભગ પચીસ) શાખાવાળા કુંભારો સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને હાલારમાંના ગામોમાંથી આવી વસ્યા અને આગળ જતાં ધાણેટી થી અઢાર ગામોમાં જઈ વસ્યા.”
જીવણરામ માંડણ પટેલ અભ્યુ પ્રકાશ, જ્યેસ્ટ ૧૯૭૬

        સોલંકી વંશ અને માધાપર નામના લેખ આપણા સમાજના પત્રોમાં હાલ પ્રગટ કરવામાં જણાવેલ તેના વિદ્વાન લેખક એવું પ્રતિપાદિત કરતા જણાય છે કે આશરે ૧૫૦૦ વર્ષ સૌરાષ્ટ્રના છાછાગવડ ગામમાં શ્રી છાછગ અભેસિંહ સોલંકી વસતા હતા. તેમજ એકપુત્ર નામે શ્રી વાછરો હતા. જે અત્યારે સોલંકી વંશના દાદાશ્રી વાછરાદાદા તરીકે પૂજાય છે.

        એટલે કે પટેલ ગંગા મારૂ પછી અંદાજે સવાસો વર્ષ પછી આ કુટુંબો ધાણેટી આવ્યા. આપણા સમાજના સુવિખ્યાત વિશ્વકર્મા સમા અંજાર નિવાસી શ્રી જયરામભાઈ રૂડાભાઈ ગજધરના પૂર્વજો ઈ.સ.૧૫૪૬માં કચ્છમાં આવ્યા.

        આ ઉપરથી જણાશે કે આપણા પૂર્વજોનો મોટો ભાગ કદાચ ઈ.સ.૧૧૭૯માં કચ્છમાં ધાણેટી મુકામે ઉતાર્યો હોય તેમ ગૃહીત માની લઈએ તોએ તે પહેલાએ અમુક પરિવારો ત્યાં આગળથીજ વસતા હતા. તેમજ અમુક પરિવારો પાછળથી આવ્યા એ મૂળભૂત હકીકત સ્વીકારવીજ રહી.

જ્ઞાતિ નું નામ

        આપણે મૂળ ક્ષત્રિય એટલે રાજપૂત કુમાર જ્ઞાતિના વંશજો હોવા છતાંએ કુમાર શબ્દના પાછળથી થયેલ અપભ્રંશના કારણે બિના કારણ કઈંક ગોટાળો ઉભો થયો હોય તેમ જણાય છે. કુમાર જ્ઞાતિ પ્રકાશ અને આમચી જાત ના વિદ્વાન લેખકોએ આ બાબત પોતાના પુસ્તકોમાં ચર્ચા કરી ઉભી થયેલ શંકાનું નિરસન કરવાના પ્રયત્નો કર્યા છે.

        આપણી સમાજની કેન્દ્રિત વરિષ્ઠ મહાસભાની સ્થાપના થતાં મહાસભાએ આપણે મૂળ કચ્છના નિવાસી ગુર્જર ક્ષત્રિયો છીએ તેમ દર્શાવવા સમાજનું નામ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાખવાનો આવકારદાયી નિર્ણય કર્યો છે.

ઉપસંહાર

        ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લેતાં એમ ચોક્કસપણે કહી શકાય કે આપણે સૂર્ય અને ચંદ્રવંશી રાજપૂતો છીએ. ઈ.સ.ની સાતમીથી બારમી શતાબ્દિ દરમ્યાન આપણે દેશના મધ્ય વિભાગમાં આવેલ, ગુર્જર પ્રદેશ, અર્બુદાચલ, માલવ અજમેરથી દિલ્હી અને કનોજ થી બનારસ તેમજ માળવાના પ્રદેશમાં વસતા ગુર્જર ક્ષત્રિયોના વંશજો છીએ. ઈ.સ. બારમી શતાબ્દિના છેલ્લા ચારણમાં આપણે કચ્છમાં ઉતાર્યા. એ વખતે કચ્છની રાજધાની ધાણેટીથી લાખિયાર વીરામાં ગઈ હતી. એટલે આપણા પૂર્વજોને ખાલી પડેલ રાજધાનીનું સ્થળ વધુ અનુકૂળ જણાતા ત્યાં ઈ.સ.૧૧૭૯માં પટેલ ગાંગા મારૂની આગેવાની હેઠળ તોરણ બાંધ્યું અને ઈ.સ.ની સોળમી શતાબ્દિમાં અંજાર અને ભુજની વ્યવસ્થિત રીતે સ્થાપના થતાં આપણો સમાજ પણ એ અરસામાં આ બન્ને શહેરોની આજુબાજુના ગામોમાં જઈ વસ્યો. આ સમય દરમ્યાન પણ આપણા એ પૂર્વજો ગાયોની વારે ધાવામાં ય તેવાજ નિમિત્તના ધર્મયુદ્ધોમાં કે અથડામણોમાં શૂરાપૂરા થય અને તેમના પાળીઆઓ આજે પણ કચ્છમાં તેમની કીર્તિગાથા રૂપે ઉભા છે.

        ત્યારબાદ ભારતમાં જયારે રેલવૅઓ નાખવાનું કામ મોટા પાયા પર શુરૂ થયું ત્યારે આપણા પૂર્વજોએ ઈ.સ.૧૮૬૫ની આજુબાજુમાં આવા વધુ અનુકૂળ વ્યવસાયની શોધમાં કચ્છમાં થી અભિનિષ્ક્રમણ કર્યું. ઈ.સ.૧૯૭૫ની આજુબાજુમાં પુરૂષાર્થી આવા ઠેકેદારોની અનેક વણઝારો સમગ્ર દેશપર ફરી વળી. આ વ્યવસાયમાં પોતાની આગવી અને વિશિષ્ટ નૈસર્ગીક પ્રતિભાના કારણે તેઓએ મોટા ભીષણ કટીગો અને વિશાળ પુલોના બાંધકામો સફળ પૂર્વક પાર પાડી વિરલ અને ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરી. એટલુજ નહિ પરંતુ સમાજને આર્થિક સ્થિરતા અને સદ્ધરતા આપી. આ બધા કામોનો અગર સંકલિત અહેવાલ પ્રગટ કરવામાં આવે તો જણાશે કે રેલવેના લગભગ મોટા ભાગના કામો આપણા એ અશિક્ષિત અને સરળ પરંતુ પુરૂષાર્થી પૂર્વજોએ કરેલા છે. આજે પણ ભારતના મુખ્ય મુખ્ય રેલવે જંકશનોની આજુબાજુ આપણો કેન્દ્રિત બની વસેલો છે તેનું રહસ્ય પણ એજ છે કે મૂળ ઠેકેદાર તરીકે આવેલા સમાજ બાંધવો તે તે સ્થળો ઠરી ઠામ બની સ્થાયી થયા અને અન્ય અન્ય વ્યાપારી અને વ્યવસાયિક સાહસોમાં પડ્યા.

        અને છેલ્લે આ રૂપરેખા તૈયાર કરવામાં કુમાર જ્ઞાતિ પ્રકાશ ના વિદ્વાન લેખક અંજાર નિવાસી સ્વ. શ્રી માંડણભાઈ રામજી પટેલના પૌત્ર શ્રી રસિકલાલ જીવરામ પટેલે પ્રેમ અને પરિશ્રમ પૂર્વક તૈયાર કરી આપેલ નોંધ મને ઘણી ઉપયોગી બની છે. એ દ્રિષ્ટિએ હું શ્રી રસિકલાલનો હાર્દિક આભાર માનું છું.

સંકલગઠન અને મોટીનાત

        અઢાર ગામો ના આવા સંકુલે, પોતાનું આગવું વ્યક્તિત્વ અને સંગઠન જાળવી રાખવા પોતાના ગામ ગામનું તેમજ સર્વ માટે સામાન્ય એવું કેન્દ્રીય સ્વરૂપનું વહીવટી માળખું ઉભું કર્યું અને તેને નિભાવયુ. આવું પરિવર્તન યા રૂપાંતર ચોક્કસ ક્યારે અને કેવા ક્રમમાં થયું યા કેવા પ્રકારના પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો તે અત્યારે કેહવું મુશ્કેલ છે. તોએ, તેનો અત્યારનો ઘાટ અને આકાર ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો વર્ષો પેહલા ઘડાયો હોવો જોઈએ તેમ સેહેજે કલ્પી શકાય. આ વ્યવસ્થા કેવી સુઝભુજ તેમજ વ્યવહારિક દીર્ઘ-દ્રષ્ટિ પૂર્વક ઉભી કરવામાં આવી તેમજ તેમાં લોકપ્રતિનિધિત્વની ઉમદા લોકશાહી પ્રણાલી કેવી સુરૂચિપૂર્વક ગૂંથી લેવામાં આવી તે જોઈ આજે પણ આપણને આનંદ આશ્ચર્ય થાય છે.

        પ્રત્યેક ગામને પોતાની આગવી નાત કે પંચાયત હતી અને તેના ઉપર હતી મોટીનાત જેવી મધ્યસ્થ સાર્વભૌમ સંસ્થા જાણે અઢારે પાંદડીઓને પોતામાં ગૂંથી લેતો પુષ્પનો મધ્યસ્થ કોષ ? સમાજ સંગઠનની આધાર શીલા સમી આ મોટીનાત. જન સંખ્યા ના ધોરણે અઢારે ગામ માંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની બનેલ હતી. તેના બંધારણીય વડા તરીકે મોટીનાતના પટેલશ્રી રહેતા સામાન્યત: આ અધિકાર વારસાગત ઉતરતો પરન્તુ તેનો અબાધિત નિયમ પણ ન હતો.

        સમાન સંસ્કાર ઇતિહાસ વસવાટ ભાષા અને રિતીરીવાજવાળા આપણા સમાજના અગ્રેસરોએ મોટીનાત દ્વારા સમાજ ના પોતાના વહિવટ તેમજ વ્યવહારિક પ્રસંગો સંબંધમાં, સમાજમાં અનુપાલન માટે ધારાધોરણો અને નિયમો ઘડયા તેમજ પ્રણાલિઓ સ્થાપિત કરી તેમાં કેટલી બધી વિશાળ ઉદાર દ્રષ્ટિ તેમજ સર્વ લોક હિતાવહ ભાવના તેઓને જાળવી છે. તે તો અન્ય અન્ય સમાજોની રીત રસ્મો સાથે તુલનાત્મક સમીક્ષા કરતા તુરતજ સમજી શકાય તેમ છે. મધ્યમ સ્તર અને તેથીએ નબળી સ્તિથી ના સમાજ બાંધવો પોતાના વ્યવહારિક પ્રસંગો ખુબજ સરળતાપૂર્વક પાર પાડી શકે તેવી અનુકપાભરી, સંવેદનશીલ બંદિશ તેમાં જણાય છે. સગપણ અને લગન્પ્રસંગો વખતે આર્થિક તેમજ સાધન સામગ્રીની ફરજીયાત લેવડદેવળનું ખુબજ સામાન્ય પ્રમાણ, વર કે કન્યા વિક્રય યા દહેજ જેવી પ્રથાઓનો સદંતર અભાવ તેમજ વિધવા વિવાહ સંબંધમાં માનવતાવાદી વાસ્તવિક ઉદાર અભિગમ ! વર્ષો પહેલાં પ્રસ્થાપિત અને પ્રતિષ્ઠિત કરેલ આવી ઉદાર પ્રણાલી માટે આજેપણ આપણે સકારણ ગૌરવ અનુભવી આપણા સરળ અને નિરાડંબર પૂર્વજો ની વ્યવહાર દક્ષતા અને દીર્ઘદ્રષ્ટિને અભિનંદીએ છીએ.

        મોટીનાત આમ એક તરફથી સમાજની ધારાસભા હતી તો બીજી રીતે તે સર્વોચ્ચ અદાલત હતી ગામગામની નાતો ઘરમેળે જે પ્રશ્નો કે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે નહીં તેવી બાબતો મોટીનાત સમક્ષ તેના અંતિમ નિર્ણય માટે રજુ કરવામાં આવતી. આવા નિર્ણયો લાગતાવળગતા પક્ષો માટે બંધનકર્તા ગણાતા. તેની નિયામક દંડંશક્તિનો પ્રભાવ પ્રબળ અને વ્યાપક હતો. મોટા મોટા શ્રીમંતો અને બડેખાંઓ પણ મોટીનાતના એ પ્રભાવી વર્તુલમાં પ્રવેશ કરતાં વિનમ્રભાવે પાઘડી ઉતારી તેના અધિકાર અને વર્ચસ્વને શિરોમાન્ય ગણતા. સમાજના નિયમોની અવગણના કે અતિક્રમણ માટે યા મોટીનાતના ગૌરવના અનાદર માટે સમાજના સભ્યોનો દંડ કરવામાં આવતો. અપવાદરૂપ ધૃષ્ટતા માટે "નાત બહાર"ના અંતિમ શસ્ત્રનો પણ પ્રયોગ થતો.

        અત્યારે હવે જયારે જ્ઞાતિ સંસ્થાઓની દંડશક્તિરૂપી દાઢો રાજકાયદા દ્વારા કાઢી નાખવામાં આવી છે અને બીજે છેડે વ્યક્તિ સ્વાતંત્રયની ભાવના વકરી જઈ ઉદંડતાના ઓવારે આવા ઉભી છે ત્યારે ઉપરની વાતો, ખાસ કરી આજની આપણી યુવાન પેઢીને, કદાચ કૌતુયુક્ત અને ક્લિષ્ટ પણ લાગે. પરંતુ એ જમાનો તો નાત એ ગંગાનો પ્રવાહ છે; નાતે મરવું અને નાતે તરવું તેવી તેમજ 'સંઘ શરણં ગચ્છામી' જેવી સમાજ પ્રત્યે પારિવારિક આત્મીયતાની ભાવનાનો હતો. જેણે સમાજ સંગઠનને અનેક મુસીબતોની સામે અણનમ, અખંડ ને અક્ષુરણ જાળવી રાખી તેનું સદા સંવર્ધન કર્યું.

        આમ તો મોટીનાતની ક્ષિતિજપર અનેક નામો ચમકી ગયા જણાય છે. પરંતુ તેમાંએ કુમ્ભારીયા નિવાસી સ્વ.શ્રી હીરજીભાઈ ગંગદાસ વેગડનું નામ નિર્દેશ યોગ્ય ગણાય. તેઓએ મોટીનાતના મહાનુંભાવ પટેલશ્રીના સક્રિય સહયોગમાં રહી વર્ષો લગી મોટીનાતની ઉમદા અને અભિજાત સેવાઓ કરી તેને અનેક ઝન્ઝાવતોમાંથી સફળતાપૂર્વક પાર ઉતારી.

        આમ છતાંએ અત્યારે સર્વનોમુખી વિકાસની વિચારણા અને આયોજન જે વ્યાપક સંદર્ભમાં થઇ રહ્યા છે તે દ્રષ્ટિએ સમાજના શૈક્ષણિક, સંસ્કારિક અને આર્થિક પુર્નરૂત્થાનનું આયોજન મોટીનાતે વિધિવત વિચાર્યું હોય તેવું ક્યાંય નોંધાયું નથી. મોટીનાત બહુધા સમાજના ધારાધોરણની નિગરાની તેમજ સગપણ કે લગ્ન પ્રસંગ સંબંધમાં ઉપસ્થિત થતા મતભેદો યા ભાગીદારો વચ્ચેના વૈમનસ્યનું નિરાકરણ લાવવાનું કાર્ય કરતી. આવશ્યકતા અનુસાર મોટીનાતના પટેલશ્રીના આદેશ અથવા કોઈએ પોતાના કેસના તાત્કાલિક નિરાકરણ માટે કરેલ ખાસ અરજીને અનુલક્ષીને મળતી. આવા પ્રસંગે અરજી કરનારને મોટીનાતનું પૂરૂં કે આંશિક ખર્ચ આપવું પડતું.

        સમાજ માં શિક્ષણ અને સંસ્કાર વિકાસની પ્રવુત્તિઓનું કાર્ય તો અન્ય અન્ય મંડળો સંસ્થાઓ દ્વારા જુદે જુદે સમયે હાથ ધરવામાં આવયું છે.

મોટીનાતની કટોકટી

        આ બધી વાતો પર વિચાર મગ્ન બની ચાલતાં આપણે સહસા ઇ.સ.૧૯૪૨ના મહત્વના સીમા ચિન્હ પર આવી અટકીએ છીએ. અહીં સારી એવી ભીડ જામી છે. વળી વાતાવરણમાં એ ગરમી અને ધમાલ પણ અસામાન્ય ગણાય છે. તપાસ કરતા જણાયું કે સમાજક્ષેત્રે નાનો એવો ધરતીકંપ ધરણી ધ્રુજાવી ગયો. પરિણામે મોટીનાતના ગૌરવવંત અને પ્રભાવી ઘુમ્મટમાં ખાસ્સી મોટી તિરાડ પડી ગઈ. મોટીનાતની સ્થાપિત નેતાગીરી અને સમાજના કેટલાક યુવાનો વચ્ચે એક કેસ અંગે ઉભા થયેલ. ગજગ્રાહમાં યુવાનોએ મોટીનાતના નાત બહાર મુકવાના અધિકારનો છડેચોક લલકાર્યો. જમા થયેલ મેદનીમાં બન્ને પક્ષે આવેશ પૂર્વક જોરદાર દલીલો થતી હતી. હકીકતમાં ત્યારથી હતપ્રભ અને કિંકર્તવ્ય મૂઢ બની ગઈ.

        આપણે ઉપર જોયું તેમ ઇ.સ.૧૯૫૨ થી ૧૯૭૧ના ઓગણીસ વર્ષના લાંબા ગાળા દરમ્યાન સમાજમાં તંત્રાભાવ અને શૂન્યાવસ્થા જેવી ચિંતાજનક પરિસ્થિતિ રહી. શિક્ષણ વિકાસ ક્ષેત્રે, ઉપર મુજબ સામુહિક અને વ્યક્તિગત પ્રયાસો અવશ્ય થતા રહ્યા. તો એ સમગ્ર સમાજના સંગઠન અને વહીવટની દ્રષ્ટિએ, સારાએ ભારતવર્ષમાં વેરવિખેર વિવિધ સ્થળે પથરાયેલ અનેક નાની મોટી વસાહતોને વહીવટી અને બંધારણીય એક સૂત્રતામાં તેમજ ભાવાત્મક એકતામાં પરોવી લેતી મોટીનાત જેવી મધ્યસ્થ સંસ્થાનો સદંતર અભાવ હતો. આ ગાળા દરમ્યાન સમાજ સંગઠનને જીવિત રાખવાનો યશ મહદ અંશે યુવક મહાસભા અને શ્રી નૂતન કેળવણી મંડળ રૂપ સમાજ વટ વૃક્ષની બે વડવાઈઓને ફાળે જ નોંધાતો રહ્યો.

        સમાજમાં તંત્ર ભાવ જેવી વિસંગત અને ક્ષોભકર પરિસ્થિતિ પ્રગતિશીલ વિચારસરણીને સદાએ કઠતી. તેમાંથી માર્ગ કાઢવા રાજસ્થાનના કેટલાક ઉત્સાહી મિત્રોએ ઇ.સ. ૧૭૭૧ના એપ્રિલ માસ માં જયપુરમાં સમસ્ત સમાજનું એક સંમેલન બોલાવ્યું. તેના અધ્યક્ષ તરીકે સમાજના લબ્ધપ્રતિષ્ટ અને લોકપ્રિય અગ્રેસર શ્રી હીરજીભાઈ ખીમજી ચૌહાણની વરણી કરવામાં આવી. આ સંમેલને સમાજની મધ્યસ્થ સંસ્થાની અનિવાર્યતા સ્વીકારી તે સ્થાપવાનો નિર્ણય કર્યો અને તે માટે અધ્યક્ષશ્રીના પ્રમુખપદ હેઠળ એક એડહોક સમિતિની રચના કરવામાં આવી.

        આ અરસામાં મુ. શ્રી હીરજીભાઈ ખીમજી ચૌહાણ અને શ્રી મોરારભાઈ રતનાભાઇ મારૂના રૂપિયા એકએક લાખના માતબર અનુદાનો વડે "શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ સાર્વજનિક ટ્રસ્ટ"ની સ્થાપના કરવામાં આવી.

        જયપુર અધિવેશનમાં સમાજની કેન્દ્રીય વરિષ્ઠ મહાસભા સ્થાપવાના સુયોગ્ય અને જરૂરી નિર્ણયના કારણે સમાજમાં ઉત્સાહ અને જાગૃતિની અભૂતપૂર્વ લહર ફરી વળી. તેમાંએ સમાજ બાંધવોમાં અપ્રતિમ લોક આદર અને ચાહના ધરાવતા શ્રી હીરજીભાઈ જેવા કર્ણધારે સમાજનું નેતૃત્વ સંભાળ્યું છે. એ હકીકતે સોનામાં સુગંધની જેમ લોક ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો. જયપુર બાદ થોડા વખત પછી ઔરંગાબાદમાં મરાઠાવાડ વિભાગનું સ્નેહ સંમેલન મળ્યું અને તેમાં કેન્દ્રીય મહાસભા સ્થાપવાના જયપુરના નિર્ણયને પ્રબળ સમર્થન આપવામાં આવ્યું.

        ત્યારબાદ ઇ.સ. ૧૯૭૨નું સીમાચિહ્ન આપણી યાત્રામાં અને સમાજના ઇતિહાસમાં સદાએ યાદગાર બની રહેશે. આ વર્ષે રાયપુરમાં ભરવામાં આવેલ સમાજ સંમેલનમાં પ્રચંડ માનવ મહેરામણ ઉમટ્યો. ઉપરાંત સમાજ સમસ્તની વિવિધ સ્થળે આવેલી સર્વ નાની મોટી વસાહતોએ પોતાના અધિકૃત પ્રતિનિધિ તરીકે મનોનિત કરીને મોકલેલા ભાઈઓની પણ ખુબજ વિશાળ ઉપસ્થિતિ હતી. બૃહદ સમાજના આવા અધિકૃત ભાઈઓના સર્વાનુમતી નિર્ણય દ્વારા પ્રચંડ માનવ મેદનીના અપૂર્વ ઉત્સાહ વચ્ચે તા. ૩ જૂને ૧૯૭૨ના શુભદિને આપણા સમાજની મધ્યસ્થ મહાસભાની સ્થાપના સમારોહ પૂર્વક સંપન્ન બની. મહાસભાના સંમેલનની સાથોસાથ વિદ્યાર્થી પરિષદ અને શ્રી નૂતન કેળવણી મંડળ કચ્છના અધિવેશનો પણ આગળ પાછળ ભરવામાં આવ્યા આમ કુલ છ દિવસનો આવો ભરચક સમારોહ રાયપુરના આંગણે તેમજ સમાજની તવારીખમાં અપૂર્વ હતો.

        મહાસભા ની સ્થાપના વડે જ્યાં જ્યાં સમાજ મંડળો હતા. તે વધુ વ્યવસ્થિત અને કાર્યશીલ બન્યાં જ્યાં મંડળો ન હતા તયાં વિધિવત સ્થાપવામાં આવ્યા. સમસ્ત સમાજમાં આમ એકસો આઠ ઘટકો મહાસભાના ઉપાંગો તરીકે મહાસભાની માન્યતા પ્રાપ્ત કરી. ભાવાત્મક એકૈયમાં પરોવાયા. અને એ રીતે મહાસભાનો અધિકાર વર્ચસ્વ તેમજ આદેશ અને માર્ગદર્શન દેશના એક છેડેથી બીજા છેડા લગી પરમપૂર્વક શિરોમાન્ય ગણવામાં આવ્યો.

        આ સર્વ ઘટકોએ મહાસભાના આદેશ અનુસાર પોતપોતાના વિભાગોમાં સમાજ કલ્યાણની જીવન નિર્વાહ માટે જરૂરત મંદોને આર્થિક સહાય ઔષધોપચાર અને શિક્ષણ પ્રચાર માટે સહાય વિ. જેવી પાયાની પ્રવુત્તિઓ શરૂ કરી દીધી. ઉપરાંત સમસ્ત સમાજની વિશાળ જરૂરિયાતોની દ્રષ્ટિએ મહાસભાએ જયારે પણ આર્થિક સહાય માટે ટહેલ નાખી ત્યારે સર્વ ઘટકોએ તેનો ખુબજ પ્રોત્સાહક અને ઉષ્મા ભર્યો પ્રત્યુત્તર વાળ્યો.

        આ ઉપરાંત મહાસભાએ સમાજના પ્રચલિત રીત રિવાજોની છાનબીન અને અભ્યાસ કરી તે અંગે પોતાની ભલામણો રજુ કરવા એક સમિતિની રચના કરી. સમિતિએ વર્તમાન સમયને નજર અંદાજ રાખી કરેલ ભલામણોને સ્વીકારવામાં આવી.

        આ સંબંધમાં સમૂહ લગ્નની મહત્વની અને ઉપકારક પ્રવૃત્તિનો ખાસ નિર્દેશ કરવો રહ્યો. મહાસભાના આદરણીય પ્રમુખશ્રી હીરજીભાઈએ ધનબાદમાં પોતાના સુપુત્રના લગ્ન પ્રસંગે સમૂહ લગ્નોના શ્રી ગણેશ કરેલ. ઉપરાંત સમાજના શ્રીમંતભાઈઓ પોતાના સંતાનોના લગ્નો સમૂહ લગ્ન આયોજનમાં જોડાઈ ઉજવે તેમજ આવા સમૂહ લગ્ન સમારંભો એક સાથે દેશમાં વિવિધ સ્થળોએ ઉજવવામાં આવે તેવો તેમનો આગ્રહ રહ્યા જ કરતો. કેવાય છે કે જેવી ભાવના તેવી સિદ્ધિ તેમ સમાજે પણ આ જનકલ્યાણની પ્રવૃત્તિને ખૂબજ ઉત્સાહ પૂર્વક અપનાવી છે. આજે એકજ સમયે હવે અનેક સ્થળે સમૂહ લગ્નોના આયોજન હાથ ધરાઈ રહ્યા હોઈ વિવિધ સ્થળોએ વસતા સમાજ બાંધવો લાંબી મુસાફરીના ખર્ચે અને પરિશ્રમ વિનાજ આજુબાજુમાં યોજાતા આવા સમારંભોનીમાં સરળતા પૂર્વક જોડાઈ શકે છે. મધ્યપ્રદેશ બિહાર અને બંગલાના ઈતર સમાજો તેમજ ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત પત્રોએ આવા સમૂહ લગ્ન સમારંભોની અહોભાવ અને આશ્રયપૂર્વક નોંધ લઇ તેની ભરોભાર પ્રશંસા કરી છે.

        આવીજ રીતે મહાસભા કુમાર અને કુમારીઓના સગપણો ગોઠવવામાં પડતી હાડમારીઓ દૂર કરવાની સમસ્યા પણ ગંભીર ભાવે વિચારી રહી છે. સૌના સ્નેહમય સહયોગ વડે તેનું યોગ્ય અને સુખદ નિરાકરણ પણ સાધી શકાશે.

        ઉપરાંત લગ્ન જીવન દરમ્યાન ઉભા થતા મતભેદો વિવાદોના સુખદ નિરાકરણ માટે બન્ને પક્ષોનો સંપર્ક અને સહયોગ સાધી લગતા વળગતા પક્ષોના ગૌરવ અને હિતમાં હોય તેવી અન્યો અન્ય સમજાવટ દ્વારા કાર્ય કરવા મહાસભાએ ન્યાયપંચ સમિતિની પણ રચના કરી છે. આવા વિવાદો અને મતભેદોનું નિરાકરણ સર્વપ્રથમ ઘટકોના સ્તરે અને ત્યારપછી પ્રાદેશિક સમિતિના સ્તરે સાધવાનું હોય છે. આવા અનેક કેસોમાં સુખદ સમાધાન સાધવામાં આવેલ પણ છે. સમાજ બાંધવોએ આ પ્રવૃત્તિને પણ સારો આવકાર અને આદર આપેલ છે.

        આ સિવાય મહાસભા દ્વારા આજે સમાજ કલ્યાણની જે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ સમાજ ઉતકર્ષની દિશામાં જે આયોજન વિચારાઈ રહ્યું છે તેનો સંદેશ સમાજમાં ઘેર ઘેર પોહચી શકે અને આવીજ રીતે આજે સમાજના વિવિધ ઘટકોમાં ઉત્સાહપૂર્વક જે કાર્ય થઇ રહ્યું છે તેની સુયોગ્ય માહિતી પણ સમાજ બાંધવોને તથા અન્ય ઘટકોને સુગમતાપૂર્વક આપી શકાય જેથી અન્યોઅન્ય માર્ગદર્શન અને પ્રેરણા મેળવી શકીએ. એ દ્રષ્ટિએ મહાસભાનું પોતાનું સ્વતંત્ર મુખપત્ર હોવું અનિવાર્ય જણાતા રાયપુર અધિવેશનમાં ઉપસ્થિત પ્રચંડ જનસમાજે "સમાજ સંદેશ"ને મહાસભાના અધિકૃત મુખપત્ર તરીકે જાહેર કરેલ છે. સમાજ સંદેશ પણ કેવલ સમાજસેવાના આવા એકમાત્ર ધ્યેયને નિષ્ઠાપૂર્વક વળગી રહી. માર્ગમાં ઉભી થતી પ્રતિકૂળતા કે કલ્પિત ટીકાઓના કારણે વિચલિત ન બનતા, આજ ત્રણ વર્ષથી સમાજમાં શીલ, શિક્ષણ અને સંસ્કારના વિકાસ અર્થે તેમજ સમાજ સંગઠન હિત અને ગૌરવના ભાવનાને દૃઢિભૂત કરવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખી વિનમ્રભાવે સેવા બજાવી રહ્યું છે. પરિણામે તેની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં અનેક ગણો વધારો થયો છે.

પ્રસ્તુત કરતા
સ્વ. શ્રી નાનાલાલભાઈ અમરસિંહભાઈ ચૌહાણ
સંદર્ભ સન ૧૯૭૪માં શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા દ્વારા પ્રકાશિત વસ્તી પત્રક ગ્રંથથી.