પ્રમુખશ્રી મહાસભા

શ્રી પ્રફુલ્લભાઇ કેશવજીભાઇ પરમાર

પ્રમુખ સ્થાનેથી . . .

        શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના ભારતભરમાં વસવાટ કરી રહેલા સૌ સમાજબાંધવોનું મહાસભાના પ્રમુખશ્રી તરીકે જાહેર અભિવાદન કરૂં છું. આપ સૌને સોશ્યલ મિડિયાના આ માધ્યમથી મહાસભાની પ્રવૃત્તિમાં રસ દાખવવા બદલ આવકારૂં છું, ધન્યવાદ આપું છું.

        મિત્રો, સમય સમય પર મહાસભાએ પણ પોતાની કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવી મીડીયાના ઉપયોગ વડે વધુમાં વધુ સમાજબાંધવોને તેનો લાભ મળી રહે તેવા નિર્ણયો લઇ તેમને કાર્યાન્વીત કર્યા છે અને તેનો લાભ જરૂરતમંદ સમાજબાંધવો લઇ રહ્યા છે . સૌ પ્રથમ મેરેજ બ્યુરોની વેબસાઇટનું લોંચીંગ કર્યું ત્યાર બાદ સેતુ સમાજ સંદેશની વેબસાઇટનું લોંચીંગ ડીસેમ્બર - ૨૦૧૪માં કરેલ હતું અને તેની માંગ વધતા જુન - ૨૦૧૫માં સેતુ સમાજ સંદેશની મોબાઇલ એપ બનાવવામાં આવી. લક્ષ્ય સમિતિના માધ્યમથી ચાલતી પ્રવૃત્તિઓના પ્રચાર માટે લક્ષ્યની પણ મોબાઇલ એપ બનાવવામાં આવી.

        મહાસભાની પ્રવૃત્તિઓનું સમન્વય જળવાઇ રહે અને સમાજબાંધવોને બધીજ માહિતિ એકજ વેબસાઇટ પર મળી રહે અને મહાસભાના કોઇપણ કાર્ય માટે એકજ વેબસાઇટ પર મુલાકાત લઇ શકાય તે હેતુથી બધી વેબસાઇટનું સંકલન જરૂરી છે એવું લાગતા આપણે મહાસભાની બધી જ ગતિવિધિઓને એકજ વેબસાઇટ પર મુકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ . ટેકનોલોજીના આ જમાનામાં કોઇપણ નવું પરિવર્તન વધુમાં વધુ લોકભોગ્ય બની રહે તે રીતે લોકો સામે મુકીએ તોજ તેની યથાર્થતા બની રહે અને સમાજબાંધવોને પણ સગવડતા રહેશે. હું એવું ઇચ્છું છું કે, ભારતભરમાં વસવાટ કરી રહેલા મારા કોઇપણ સમાજબંધુને મહાસભા અંતર્ગત કોઇપણ માહિતિ જોઇતી હોય તો એકજ ક્લીક કરી મળી રહે. આ વેબસાઇટ પર આપણે સંજીવની, અભિલાષાના ફોર્મસ, સેતુ સમાજ સંદેશની માહિતિ, સમાજ ઇતિહાસની વિગત, મહાસભા દ્વારા ચાલતી દરેક પ્રવૃત્તિઓની વિગત, મેરેજ બ્યુરોની વિગતો, લક્ષ્ય સમિતિની વિગતો, મધ્યસ્થ ન્યાય પંચ, પ્રાદેશિક સમિતિ, ઘટક, પ્રતિનિધિશ્રીઓ અને મહાસભાની દરેક સમિતિ દ્વારા કરવામાં આવતા કાર્યોનું વિવરણ પણ આપવામાં આવશે જેથી દરેકને તેની માહિતિ મળી રહેશે.

        મિત્રો, મહાસભા દરેકેદરેક સમાજબાંધવો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે પરંતુ આ બધા પ્રયતનોની યથાર્થતા ત્યારે જ સિદ્ધ થશે જ્યારે દરેક સમાજબાંધવો તેનો ઉપયોગ સરળતાથી કરી શકે. મને આશા નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વેબસાઇટનો ઉપયોગ દરેક સમાજબાંધવોને ખુબજ ઉપયોગી થઇ રહેશે.

જય સમાજ . . .


લિ.
પ્રફુલ્લ કેશવજી પરમાર
પ્રમુખશ્રી
શ્રી ક.ગુ.ક્ષ. સમાજ મહાસભા